ટોક્યો અને શાંઘાઈ રબર વાયદા ૭ ટકા ડેઈલી લીમીટ ડાઉન
રબર

ટોક્યો અને શાંઘાઈ રબર વાયદા ૭ ટકા ડેઈલી લીમીટ ડાઉન

Jayant Agro Organics Ltd

ચીન અને અમેરિકા વચ્ચેના ટ્રેડવોરમાં જેવા સાથે તેવાની નીતિ અપનાવાતા જાગતિક ફાયનાન્સ અને કોમોડીટી બજારમાં મોટી ઉથલપાથલના વમળો સર્જાવાનો ભય પેદા થયો છે. ચીન સામે ડોનાલ્ડ ટ્રમ્પએ વાપરેલા હથિયારનો જવાબ આપતા બીજીંગે એવા સંકેત આપ્યા છે કે અમે અમેરિકાથી આયાત થતી ૧૨૮ ચીજો પર આયાત જકાત નાખવાનું વિચારીએ છીએ અને આ લડાઈ ફાઈટ ટુ ફીનીશ લડી લઇશું. ચીને અમેરિકન પ્રમુખને ખુબજ ગણતરી પૂર્વકની ધમકી આપી હોવાથી આગામી સપ્તાહોમાં બજાર વધુ દબાણમાં આવશે.

બીજીંગે કહી દીધું છે કે અમે અમેરિકન સ્ટીલ પાઈપ, તાજા ફાળો અને દારુ પર ૧૫ ટકા અને દુકકરનાં માંસ તેમજ રીસાયકલ થયેલા એલ્યુમીનીયમ પર ૨૫ ટકા આયાત જકાત નાખવાની યોજના વિચારી રહ્યા છીએ. ચીને સ્પષ્ટતા કરી દીધી છે કે અમે મોટો છુરો નથી વાપરવાના, અમે ચાઈનીસ એક્યુંપંક્ચર સ્ટાઈલથી અમને ભોંકેલી સોયને બહાર કાઢી લઈશું. આ વાકયુદ્ધ પછી શાંઘાઈ રબર વાયદો ૭ ટકાની ડેઈલી લીમીટ ડાઉનથી તુટ્યો હતો. બેન્ચમાર્ક મે વાયદો શુક્રવારે ૬૮૦ યુઆન ઘટીને ૧૦,૯૯૫ પ્રતિ ટન બંધ રહ્યો હતો.

ટોક્યો કોમોડીટી એક્સચેન્જ પર ઓગસ્ટ રબર વાયદો ૧૨.૮ યેન તૂટીને ૧૭૪.૫ યેન પ્રતિ કિલો બંધ રહ્યો હતો. ભાવ ઘટવાનું એક કારણ, ટોક્યો એક્સચેન્જમાં ઇન્વેન્ટરીઝ ત્રણ વર્ષની નવી ઉંચાઈએ ૪ લાખ ટને પહોચી ગઈ છે. કરન્સી બજારમાં જપાન યેનની મુવમેન્ટ અને ઓટો માર્કેટની મંદીનો પણ પડઘો પડ્યો હતો. ટોકોમ વાયદો જે સાઉથ-ઇસ્ટ એશિયાની રબર બજારના ભાવનું નિર્ધારણ કરે છે, તેમાં ચીનમાં વધી રહેલા રબર સ્ટોક અને નબળી માંગનું પ્રતિબિંબ પણ ઝીલાયું હતું.

આ તરફ વિશ્વના ત્રણ મોટા રબર ઉત્પાદકો વચ્ચે નક્કી થયેલી નિકાસ મર્યાદાનો કરાર આ મહીને પૂરો થાય છે. એસોસિયેશન ઓફ નેચરલ રબર પ્રોડ્યુસીંગ કન્ટ્રીઝએ કહ્યું છે કે આ વર્ષે નેચરલ રબરની સપ્લાયમાં ૪.૫ ટકાનો વધારો થશે, તેની સામે માંગ વૃદ્ધિ માત્ર ૨.૮ ટકા થવાની શક્યતા છે. થઈલેન્ડ ૨૦૧૮મા રબર શીટનું ઉત્પાદન ગતવર્ષથી ૮ ટકા વધુ ૪૮ લાખ ટન કરે તેવી સંભાવના છે, એમ સ્થાનિક રબર ઓથોરિટીએ કહ્યું હતું. નિકાસ, ગતવર્ષની ૪૦.૯ લાખ ટનથી મામુલી વધીને ૪૧.૭ લાખ ટન અંદાજીત છે.

વૈશ્વિક બજારમાં રબરના ભાવ સ્થિર કરવા થઈલેન્ડ, ઇન્ડોનેશિયા અને મલેશિયાની બનેલી ઇન્ટરનેશનલ ટ્રાયપાર્ટી રબર કાઉન્સિલમાં ડીસેમ્બરમાં એવી સહમતી સધાઈ હતી કે માર્ચ સુધીમાં નેચરલ રબરની નિકાસ ૩.૫ લાખ ટન ઘટાડવામાં આવશે. વિશ્વના કુલ ઉત્પાદનમાં ૬૨.૭૫ ટકા હિસ્સો ધારાવતા આ ત્રણે દેશનું ૨૦૧૭મા સંયુક્ત રબર ઉત્પાદન ૮૪.૯ લાખ ટન થયું હતું.

દરમિયાન ટૂંકાગાળા માટે કોમોડીટી બજારનું સેન્ટીમેન્ટ નબળું રહેવાની શક્યતા છે, ત્યારે કેટલાંક એનાલીસ્ટો લાંબાગાળાની અસરો બાબતે સાવધ રહેવાનું કહે છે. જેપી મોર્ગન એસેટ મેનેજમેન્ટનાં સ્ટ્રેટેજીસ્ટ હાના એન્ડરસન કહે છે કે આ ટ્રેડવોર અમુક દેશ સુધી સીમિત રહેવાની શક્યતા ઓછી હોવાથી ખાસ કરીને કોમોડિટીની એશિયન સપ્લાય ચેઈન નબળી પડતા, બંને દેશ તરફથી ભાવ વધારો વ્યાપક બનવાની શક્યતા છે. તેણીએ એક નોંધમાં કહ્યું હતું કે ટ્રેડ વોર અસરકારક તબક્કામાં પહોચે તે અગાઉ વાટાઘાટો સંભવિત છે, પણ અત્યારે તો રોકાણકારોએ અત્યંત સાવધાની વર્તવાની જરૂર છે. તા. ૨૬-૩-૨૦૧૮

Lathia Rubber Mfg. Co. Pvt. Ltd

You can share this post!

RELATED NEWS

0 Comments

Leave Comments