‘આત્મનિર્ભર’ ખાદ્યતેલ ઉત્પાદન કાર્યક્રમ ગંભીરતાથી નહિ વિચારાય તો ભાવ ભડકે બળશે
તેલ - તેલીબિયાં

‘આત્મનિર્ભર’ ખાદ્યતેલ ઉત્પાદન કાર્યક્રમ ગંભીરતાથી નહિ વિચારાય તો ભાવ ભડકે બળશે

Jayant Agro Organics Ltd

*તહેવારો પહેલા સનઓઈલ ૨૧ ટકા, કપાસિયાતેલ ૧૧ ટકા અને સોયાબીનતેલ ૨૦ ટકા વધી ગયા

*ખાદ્યતેલ માંગ પુરવઠા વચ્ચે ૧૫૦ લાખ ટનનો તફાવત


કોરોના મહામારી વચ્ચે તબક્કાવાર ખુલી રહેલા લોકડાઉન સાથે જ વૈશ્વિક ખાદ્યતેલની માંગમાં સતત વધારો થઇ રહ્યો છે. ભારત અને ચીન જાગતનાં સૌથી મોટા આયાતકાર દેશ છે, ભારતની આયાત નિર્ભરતા ૭૦ ટકાએ પહોચી ગઈ છે, આ બધાના સરવાળે તેલીબીયા અને તેલબજારનાં સેન્ટીમેન્ટ પર પણ મોટી અસર થવા પામી છે. ઇન્ડિયન ઓઈલસીડસ એન્ડ પ્રોડ્યુસ એક્ક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલનાં ડીરેક્ટર નીલેશ વીરા કહે છે કે જો સરકારની નીતિમાં ફેરફાર આવશે તો ભાવ વૃદ્ધિને સપોર્ટ મળી જશે. ખાદ્યતેલની આયાત પર નિયંત્રણો મુકાયા છે, તેથી આયાત માર્યાદિત બની છે અને ભાવ વધી રહ્યા છે.

બોમ્બે કોમોડીટી એક્સચેન્જના અધ્યક્ષ મહેન્દ્ર છેડા કહે છે કે ક્રુડ (કાચા) ખાદ્યતેલની આયાતને છૂટ આપીને રીફાઇન્ડ ઓઈલ પર નિયંત્રણો મૂકી દેવાતા પુરવઠામાં ખાંચરો પડી ગયો છે. અત્યારે તો જેઓ રીફાઈનરી ધારાવે છે તેઓ જ આયાત કરી શકે છે. ખરી કસોટી ઓક્ટોબર એન્ડથી શરુ થતા તહેવારો પછી જ્યારે નવા પાકની આવકો વેગ પક્ડશે, ત્યારે થવાની છે. અલબત્ત, આ સમયે કદાચ ટૂંકાગાળા માટે ભાવ પર દબાણ વધી શકે છે.

મધ્યપ્રદેશના પીઠાઓમાં દૈનિક સરેરાશ આવકો પાંચથી સાત લાખ ગુણી વટાવી ગઈ છે અને ભાવ ક્વિન્ટલ દીઠ રૂ. ૩૪૦૦-૩૫૦૦ આસપાસ બોલાઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં એપ્રિલની તુલનાએ ખાદ્યતેલના ભાવ તહેવારો પહેલા જ ૧૫થી ૨૦ ટકા વધી ગયા છે. પામ ઓઇલના ભાવ, ૧૫ લીટર દીઠ રૂ.૧૩૭૫થી ૯/૧૦ ટકા વધીને રૂ. ૧૫૦૦ આસપાસ બોલાય છે. આ ગાળામાં સન ઓઈલ ૨૧ ટકા, એ જ પ્રકારે કપાસિયા તેલ ૧૧ ટકા અને સોયાબીન તેલ ૨૦ ટકા વધી ગયા છે. વર્તમાન ખરીફ મોસમમાં સોયાબીન ખરીફ પાક, ગતવર્ષના ૧૦૦ લાખ ટનથી વધીને ૧૨૫ લાખ ટન જ્યારે મગફળી પાક ૩૯ લાખ ટનથી વધીને ૬૫થી ૭૦ લાખ ટન અને તલનો પાક ૪.૪૦ લાખ ટનનો પ્રાથમિક અંદાજવામાં આવી રહ્યો છે.

સોલ્વન્ટ એક્સટ્રેકટર્સ એસોસિયેશન (સી)ના એક્ઝીક્યુટીવ ડીરેકટર ડો. બીવી મહેતા કહે છે કે ભારત તેની કૂલ ખાદ્યતેલ વપરાશના ૭૦ ટકા આયાત પર નિર્ભર દેશ બની ગયો છે, ત્યારે આપણે આપણી ખાદ્યતેલ ઉત્પાદન સલામાતી સાથે ગંભીર રીતે સમાધાન કરી લીધું છે. અમે સરકારને વિનંતી કરીએ છીએ કે ભારતને તેની ખાદ્યતેલ માંગ બાબતે “આત્મનિર્ભર” બનાવવા નેશનલ મિશન ઓન એડીબલ ઓઈલ કાર્યક્રમની સી એ રજુ કરેલી ભલામણોનો તત્કાળ અમલ કરવામાં આવે.

આ કાર્યક્રમ હેઠળ પામઓઈલ, સોયાબીન, મગફળી, રાયડા વાવેતરને પ્રોત્સાહિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીને વાર્ષિક રૂપિય પાંચ હજાર કરોડની ફાળવણી કરવાની કેન્દ્ર સરકાર પાસે સી એ માંગણી કરી છે. ડો. મહેતા કહે છે કે પંજાબ અને હરિયાણા જેવા રાજ્યોમાં ઘઉં અને ચોખાની કેટલીક જમીન વધારાના લાભો આપીને સોયાબીન, મકાઈ, અને રાયડા પાક માટે પરિવર્તિત કરવી જોઈએ. વધુમાં પામ ઓઈલને પ્લાન્ટેશન ક્રોપ જાહેર કરીને બિનપરંપરાગત સ્ત્રોત તરીકે પ્રોત્સાહિત કરવાનો સમય આવી ગયો છે.

ડો. બીવી મહેતાએ તો ત્યાં સુધી માંગણી મૂકી છે કે ઊંચું ઉત્પાદન આપતા જીનેટીકલી મોડીફાઈડ તેલીબીયાનું બિયારણ દાખલ કરવું જોઈએ, ખેડુતોને તેલીબિયાના વાજબી ભાવ મળી રહે તે માટે આયાત જકાતમાં ધરખમ વધારો કરવો જોઈએ. આયાત જકાતનું નિર્ધારણ મીનીમમ સપોર્ટ પ્રાઈસ સાથે જોડી દેવું જોઈએ, તેલીબીયા પાક વિસ્તરણ માટે કરવેરા રાહતી જાહેર કરવી જોઈએ. ભારતમાં વાર્ષિક સરેરાશ ૭૫થી ૮૦ લાખ ટન ખાધતેલનું ઉત્પાદન થાય છે. તેની સામે વપરાશ ૨૨૫થી ૨૩૦ લાખ ટનનો છે. પરિણામે માંગ પુરવઠા વચ્ચે ૧૫૦ લાખ ટનનો તફાવત રહી જાય છે.

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.) તા. ૨૦-૧૦-૨૦૨૦

Lathia Rubber Mfg. Co. Pvt. Ltd

You can share this post!

RELATED NEWS

0 Comments

Leave Comments